Stephen Hawking



ડૉ.. સ્ટિફન હોકિંગે પોતાના નવા પુસ્તકમાં ઈશ્વરના અસ્તિત્વને પડકાર્યું છે. આ વિશે તેમની સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી વિજ્ઞાની શું કહે છે?

ઈશ્વર એટલે જગત છે, કે પછી જગત છે એટલે ઈશ્વર હશે? આ પ્રશ્ન જરા ઊંડાણથી એકાદ શાંત જગાએ બેસીને વિચારો! આ સવાલમાં કેવા કેવા અદ્ભુત અર્થ ભર્યા છે તે સમજવા જેવું છે, અને વિચારશો તો જરૂર કંઇક સમજાશે. વિશ્વની રચના કરનારી કોઇ મહાશક્તિ અસ્તિત્વ ધરાવે છે, અને માટે જ જગતની રચના થઇ છે તેમ માની શકાય. પણ બીજી બાજુએ વિજ્ઞાનીઓ અને તત્વજ્ઞાનીઓએ ચર્ચા પણ કરે છે કે જગત તો આપણે જોઇએ છીએ અને અનુભવીએ છીએ, અને તે તો સ્વત: પ્રમાણ છે. પછી તે જગત, આ સમગ્ર જોઇએ છીએ તે બ્રહ્નાંડ ક્યાંથી આવ્યું, તે વિચાર કરતાં કરતાં આપણે ‘ઈશ્વર’ની કલ્પના કરી લીધી હોય તેવું ન બને? ડૉ.. સ્ટિફન હોકિંગ એક એવા વિજ્ઞાની છે જે ચોંકાવનારાં વિધાનો કરવા માટે જાણીતા છે.

તાજેતરમાં ‘ગ્રાન્ડ ડિઝાઈન’ નામની એક લેખમાળા અને પુસ્તકમાં તેમણે એવી વાત કરી છે કે બ્રહ્નાંડની રચના માટે ‘ઈશ્વર’ જેવી કોઇ ‘બાહ્ય શક્તિ’ કે એજન્સીની જરૂર નથી. વિશ્વની રચના તો ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે જ થઇ છે, અને તેના દ્વારા જ તેને સમજી શકાય છે. આમાં વચ્ચે ‘ભગવાન’ના નામની અવનવી ગરબડ લાવવાની જરૂર નથી!

હોકિંગ કહે છે કે બ્રહ્નાંડ કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું તે સમજવા માટે ‘ઈશ્વર’ નામની ‘પરિકલ્પના’ આવશ્યક નથી. વિશ્વનું સર્જન એ ભૌતિક વિજ્ઞાનના નિયમોની અનિવાર્ય નીપજ છે તેમ તેઓ માને છે. તેઓ કહે છે કે ભગવાને આ દુનિયા બનાવી છે તેવું કંઇ નથી, એ તો વિજ્ઞાનના નિયમો પ્રમાણે સ્વયં-સર્જિત છે, અને બ્રહ્નાંડ પોતે જ શૂન્યમાંથી પોતાનું સર્જન ‘બિગ બેંગ’ દ્વારા કરી શકે છે. પહેલાં તેઓ એવું કહેતા હતા કે ઈશ્વર વિશેની માન્યતા અને વિજ્ઞાન વચ્ચે વિરોધાભાસ નથી, પણ હવે ઈશ્વરની આ માન્યતા જરૂરી નથી તેમ તેઓ કહે છે, અને ઉમેરે છે કે અનાયાસે જ શૂન્યમાંથી ભૌતિક નિયમો પ્રમાણે સૃષ્ટિ ઉપજી આવી છે.

વિખ્યાત વિજ્ઞાની ન્યૂટન એવું માનતો કે ઈશ્વરે બ્રહ્નાંડનું આયોજન કર્યું હશે, કારણ કે સંપૂર્ણ અવ્યવસ્થામાંથી કંઇ આવું જીવન અને નિયમોનું સર્જન થઇ શકે નહીં. અહીં એ નોંધવા જેવું છે કે પશ્ચિમના વિજ્ઞાનીઓ આવી બધી વાતો કરે ત્યારે તેનો સંબંધ ઘણી વાર બાઇબલ ગ્રંથના ‘રચના’ પ્રકરણ સાથે હોય છે. તેમાં એવી બધી વાત આવે છે કે પહેલે દિવસે ઈશ્વરે આ બનાવ્યું, બીજે દિવસે તે બનાવ્યું વગેરે. ત્યાંના વિજ્ઞાનીઓ આ પ્રકારની વાતોનો ‘આધારહીન છે’ તેમ કહીને અનેકવાર વિરોધ કરતા હોય છે.

આજે તો દૂરના તારાવિશ્વોમાં એવા તારાઓ પણ મળી આવ્યા છે જેની આસપાસ સૂર્યની જેમ ગ્રહમાળાઓ છે. ત્યાં જીવન પણ હોઇ શકે. આથી હોકિંગ કહે છે કે માણસને રાજી કરવા માટે જ ઈશ્વરે પૃથ્વીનું ખાસ સર્જન કર્યું અને બ્રહ્નાંડના આપણે કૈંક વિશેષ છીએ તેવી બધી વાતોનો અર્થ નથી. ગુરુત્વના નિયમે વિશ્વનું શૂન્યમાંથી સર્જન કર્યું છે. આમ, વિજ્ઞાનના નવા નિયમોની શોધે ઈશ્વરના અસ્તિત્વની જરૂર ઘટાડી દીધી છે!

અલબત્ત, ધર્મગુરુઓએ હોકિંગની વાતનો વિરોધ કર્યો છે, અને કેટલાક વિજ્ઞાનીઓએ પણ આ વાત હસી કાઢી છે. તેઓ કહે છે કે વિજ્ઞાન ઈશ્વરનું અસ્તિત્વ નથી કે છે તેવું કંઇ પુરવાર કરી શકે નહીં અને શ્રદ્ધા એ તો વિજ્ઞાનની બહારનો વિષય છે.

આમ જુઓ તો હોકિંગે કોઇ બહુ નવી વાત કરી દીધી હોય તેવું નથી. તાજેતરમાં કોઇ એવી મોટી નવી વિજ્ઞાનની શોધ નથી થઇ ગઇ જેના આધારે એમ સાબિત કરી શકાય કે ઈશ્વર છે કે નથી! વિજ્ઞાનના નિયમો, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, તે ઈશ્વરે કર્યું કે પોતાની મેળે થયું, આ બધા તો જૂના પ્રશ્નો છે, અને તત્વજ્ઞાનીઓ તથા વિજ્ઞાનીઓ તેના પર ઘણા સમય અને સૈકાઓથી ચર્ચા કરતા જ રહ્યા છે. એટલું ખરું કે હોકિંગે ઈશ્વરના આ અતિ ચર્ચાસ્પદ પ્રશ્નને ભારે રસપ્રદ રીતે ફરી ઉછાળ્યો જરૂર છે.

તેમાં કદાચ તેમના પુસ્તકની જાહેરાત પણ હોય! પરંતુ આપણે એવું અવશ્ય માની શકીએ કે જો ઈશ્વર હોય તો તે એટલો મહાન તો જરૂર હશે જ કે જેથી પોતાના વિશે આવી ચર્ચા થાય, કે તેના નામનો જાહેરાતોમાં પૈસા બનાવવામાં ઉપયોગ થાય તો પણ તેને વાંધો નહીં હોય! આમ પણ જાહેરાતના આ જમાનામાં ઈશ્વરનો પણ જાહેરાત માટે ઉપયોગ થવાનો જ, અને અનેક જગ્યાએ થાય પણ છે, તેની ઈશ્વરને તો ખબર હોય જ ને! આખરે તો તેણે જગત બનાવ્યું હોય તો આ બધો ખેલ માણવો તે જ કદાચ તેનું કામ હશે!

આપણા અસ્તિત્વના પાયાને સ્પર્શતા આ સઘળા પ્રશ્ન છે. તેના વિશે વિચારવું તો જોઇએ જ. તેમાં ગૂંચવાડો લાગે તો શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી ન દેવાય! ભારતીય ગ્રંથોમાં તો શ્રવણ, મનન, અને ચિંતનની એક આખીએ ભવ્ય પ્રણાલી છે. કેવળ ‘ભક્તિ’ જ કરવી, અંધવિશ્વાસ જ રાખવો અને કોઇ પ્રકારનું ચિંતન ન જ કરવું તેવું ભારતની પ્રણાલીએ કદી કહ્યું નથી.

હોકિંગની વાતનો સાર એ છે કે આવું ચિંતન આપણે પોતે, આપણા પોતાના ઊંડાણમાં ઉતરીને કરવું જોઇએ અને કરવું પડશે. દરેક માણસે અને વ્યક્તિએ અનિવાર્યરૂપે આ કામ કરવું જ પડશે, જો સાચો સંતોષ મેળવવો હોય તો. કોઇક ‘મંદિર’માં કોઇક ‘ભગવાન’ને હજાર કે લાખ રૂપિયા ધરી દેવાથી, કે એક અથવા બીજા ‘શોર્ટ-કટ’થી આ કામ નહીં થાય. પોતાના અસ્તિત્વનો પ્રશ્ન પોતે જ ઉકેલવાનો છે, પછી તે રાજા હોય કે રંક, ટાટા-અંબાણી હોય કે ભિખારી, બધાને માટે આ વાત સમાન છે. તેમાં કેવળ ધન કે સત્તાથી કામ ચાલવાનું નથી!

આ બધા પરથી અલબત્ત એ વાત તો સ્પષ્ટ થાય જ છે કે જે કુદરતે આવી વ્યવસ્થા અને આવા અદ્ભુત બ્રહ્નાંડની રચના કરી છે તેમાં એક ભવ્ય સૌંદર્ય અને સત્યની ઝાંખી પણ અવશ્ય સમાયેલી છે. પછી વિજ્ઞાની હોય કે તત્વજ્ઞાની, તેઓ બધા આ તત્વનું ચિંતન કરે છે. તેમાં જ મજા છે અને કદાચ જીવનનું મોટામાં મોટું અને ઊંચામાં ઊંચું કરવા જેવું કામ એ જ છે!

Comments

Popular Posts