સરળ, અને સલામત યાત્રા પ્રવાસ માટે રેલ્વે
ઉત્તમ માધ્યમ છે અને લોકપ્રિય પણ છે. આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હાઇસ્પીડ
ટ્રેનો ઉપલબ્ધ છે. આજે ઇલેકટ્રીક અને ડીઝલ વડે ચાલતા એંજિનો વડે રેલ્વે
ચાલે છે. પરંતુ પ્રારંભકાળમાં રેલ્વે સ્ટીમ એન્જિન વડે ચાલતી. સ્ટીમ
એન્જિનની શોધ જૂની છે પરંતુ તેના વડે પાટા પર ગાડી દોડાવવાની શરૃઆત જ્યોર્જ
સ્ટીફન્સને કરેલી. રેલ્વે ઉદ્યોગનો તે પિતામહ ગણાય છે.
જ્યોર્જ સ્ટીફન્સનનો જન્મ ઇ.સ. ૧૭૮૧ના જૂનની ૯ તારીખે
ન્યુકેસલ નજીક વિલામ ગામે થયો
હતો. તેના માતાપિતા નિરક્ષર હતા. તેના પિતા સ્થાનિક ફેકટરીમાં ફાયરમેનનું કામ કરતા. ગરીબ
પરિવારમાં જન્મેલ સ્ટીફન્સનને ભણવા માટે પૈસા નહોતા. ૧૭ વર્ષની ઉંમરે સ્ટીફન્સને એન્જિનમેન
તરીકે નોકરી સ્વીકારી.
સ્ટીફન્સનને ભણવું ગમતું. પોતાના પગારમાંથી પૈસા ચૂકવી તે રાત્રીશાળામાં
દાખલ થયો. ૧૮ વર્ષની ઉંમરે તેણે ભણવાનું ચાલુ કર્યું. ઘડિયાળ રીપેરિંગ જેવાં
કામ કરીને તે વધારાના પૈસા કમાઇ લેતો. એક જાણીતી ફેકટરીના પંપિંગ
એન્જિનનું સફળ સમારકામ કર્યા પછી તેને બઢતી મળી અને સ્ટીમ એન્જિન દ્વારા ચાલતા
મશીનોની દેખરેખ રાખવા નિમણૂંક મળી. સ્ટીફન્સન ખાણમાં નોકરી કરવા દરમિયાન
ડેવીના અભય દીવા જેવો સેફટી લેમ્પ શોધેલો. પરંતુ અશિક્ષિત હોવીથી પોતાની
શોધ યોગ્ય જગ્યાએ જાહેર કરી શક્યો નહીં. તે જમાનામાં રીચાર્ડ ટ્રેવિથિક
નામના એન્જિનિયરે ચાર પૈડાંવાળી સ્ટીમ વડે ચાલતી ગાડી બનાવી. જોકે તેને
સફળતા મળી નહોતી. સ્ટીફન્સને પણ સ્ટીમ એન્જિન વડે ચાલતું વાહન બનાવ્યું. તેને
લોકોમોટિવ નામ આપ્યું. સ્ટીફન્સને બનાવેલું સ્ટીમ એન્જિન ૩૦ ટન કોલસો ભરીને
૬ કિલોમીટરની ઝડપે ચાલતું. સ્ટીફન્સને પોતાની શોધ ૧૮૧૬માં પેટન્ટ કરાવી
અને લોખંડના પાટા પર ગાડી દોડતી કરી. સ્ટીફન્સન પ્રસિધ્ધ થયો. ઇ.સ.૧૮૩૦માં
તેણે બ્રિટનના લીવરપૂલ અને માંચેસ્ટર વચ્ચે યાત્રા પ્રવાસ માટે વિશ્વની
પ્રથમ રેલ્વે લાઇન શરૃ કરી. તેના પાટા ૪ ફૂટ ૮.૫ ઇંચ પહોળા હતાં. તેને
સ્ટીફન્સન ગેજ કહેવાય છે.
અત્યંત ગરીબીમાં ઉછરીને વિશ્વને રેલ્વેની ભેટ આપનાર
સ્ટીફન્સન વિજ્ઞાાન ભણ્યો નહોતો પરંતુ આપસૂઝથી યંત્રવિદ્યાનું જ્ઞાાન મેળવી
પરિશ્રમ કરી સિધ્ધિ મેળવી શક્યો હતો. બ્રિટનમાં મોટા શહેરોમાં સ્ટીફન્સનની
પ્રતિમાઓ તેમજ સ્મૃતિ સ્થાનો
સ્થપાયાં છે અને તેને રાજકીય સન્માન અપાયું છે. ઇ.સ.૧૮૪૮ના ઓગસ્ટની ૧૨
તારીખે તેનું અવસાન થયું હતું.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/scientist-father-railways-george-stephenson
Comments
Post a Comment