Homi J. Bhabha
જાણીતા અણુવિજ્ઞાની હોમી જહાંગીર ભાભાનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. ભારતમાં અણુવિજ્ઞાન ટેક્નોલોજી વિક્સાવવામાં ડો. ભાભાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ‘ઈન્ડિયન ન્યુક્લિઅર પ્રોગ્રામ’ના ઘડવૈયા માનવામાં આવે છે. અણુવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનોને પ્રાધાન્ય આપવા માટે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં સ્નાતકની પદવી મેળવનારા ભાભાએ મિકેનિકલ એન્જિનિયરીંગની પણ ડિગ્રી મેળવી હતી. ભારત પરત ફરીને ડો. ભાભા જમશેદપુર ખાતે આવેલી ટાટા આયર્ન અને સ્ટીલ મિલ સાથે જોડાયા હતા. જોકે અહીં કામ કરવામાં ખાસ મન ન લાગતા તેઓ વધુ અભ્યાસ માટે પાછા કેમ્બ્રિજ ગયા હતા. ગણિતમાં વધુ અભ્યાસ હાથ ધરનારા ભાભા કેવેન્ડિશ લેબોરેટરી સાથે જોડાયા હતા. અભ્યાસકાળ દરમિયાન ગણિતમાં શ્રેષ્ઠ દેખાવ બદલ અને સંશોધનો બદલ તેમને કેટલાક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૩૯માં થોડા દિવસો માટે ભાભા ભારત આવ્યા હતા એ જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતા તેમણે ઈંગ્લેન્ડ જવાનું ટાળ્યું હતું. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ જોડાયા હતા. સમય જતાં તેમણે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી. ૧૯૪૭માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા તેમને ચીફ ટેકનિકલ એડવાઈઝર તરીકે નિમવામાં આવ્યા હતા અને ભારતમાં અણુશસ્ત્રોના નિર્માણને વેગ આપવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ ડો. ભાભા જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને ડો. ભાભા મૃત્યુ પામ્યા હતા.
sources : http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=341315
Comments
Post a Comment