પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

ભારત અવકાશી સંશોધન ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે. વિવિધ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકીને ઉપયોગી માહિતી મેળવવામાં ભારત વિશ્વના અન્ય દેશોની સાથે ટેકનોલોજીના ક્ષેત્રમાં કદમ થી કદમ મિલાવી રહ્યું છે. અગાઉ ભારતને જો કોઈ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવો હોય તો તેના માટે રશિયાની મદદ લેવી પડતી હતી પરંતુ હવે ભારતે ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે અને નવી નવી ટેકનોલોજી અને ઉપકરણોનું નિર્માણ ભારત ખુદ કરી રહ્યું છે. ઉપગ્રહોને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં તરતા મૂકવા માટે જીએસએલવી અને પીએસએલવી એમ બે પ્રકારના રોકેટની મદદ લેવામાં આવે છે. આ રોકેટ વાહન તરીકેનું કામ કરે છે એટલે કે ઉપગ્રહોને જે તે નિશ્ચિત કક્ષામાં તે પહોંચાડે છે. થોડાં દિવસ પહેલાં ભારતે સફળતાપૂર્વક ભારતીય ઉપગ્રહ રિસોર્સસેટ - ૨, ઈન્ડો-રશિયન સેટેલાઈટ યુથસેટ અને સિંગાપુરના પ્રથમ ઉપગ્રહ એક્સ-સેટને અવકાશમાં પ્રક્ષેપિત કર્યા. આ સફળતા પીએસએલવી-સી૧૬ રોકેટના માધ્યમથી મળી છે. પીએસએલવી દ્વારા ત્રણેય ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા હતા. પીએસએલવીનું આખું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ એટલે કે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન છે. ૪૪ મીટરની ઊંચાઈ અને ૨.૮ મીટરનો વ્યાસ ધરાવતું પીએસએલવી ૨૯૪,૦૦૦ કિગ્રા વજન ધરાવે છે.પીએસએલવી ચાર ભાગમાં વહેંચાયેલું છે. તેમાં ઘન અને પ્રવાહી બળતણનો ઉપયોગ વૈકલ્પિક રીતે કરવામાં આવે છે. ભારતની ઈસરો સંસ્થા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૃથ્વી પરની ગતિવિધિઓની માહિતી આપનાર ઉપગ્રહ એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઈટના પ્રક્ષેપણ માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.પીએસએલવીના નિર્માણ અગાઉ ભારતીય ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવા માટે રશિયાની મદદ લેવામાં આવતી હતી. અત્યાર સુધીમાં ભારત દ્વારા નિર્માણ પામેલ પીએસએલવીએ ૪૧ જેટલાં ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મૂક્યા છે. જેમાંથી ૧૯ ઉપગ્રહો ભારતીય છે, જ્યારે ૨૨ ઉપગ્રહો વિદેશી છે.

Comments

Popular Posts